logo

ગુજરાત સાયબર ક્રાઇમ સેલ તેમજ રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ દ્વારા નીલકંઠ ઓશિયન ફ્લેટ, ગાંધીનગરમાં સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન

ગાંધીનગર, 19 એપ્રિલ 2024:* ગુજરાત સાયબર ક્રાઇમ સેલ - સીઆઈડી ક્રાઇમ - ગુજરાત રાજ્ય, રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ, સાયબર સિક્યુરિટી ફોર્સ અને અમદાવાદ રેન્જ પોલીસ દ્વારા નીલકંઠ ઓશિયન ફ્લેટ, વાવોલ, ગાંધીનગરમાં આજે એક સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને ઇન્ટરનેટ અને ડિજિટલ ટેક્નોલોજીના સુરક્ષિત ઉપયોગ અંગે જાગૃત કરવાનો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત સાયબર ક્રાઇમ સેલનાં સાયબર પ્રમોટર તેમજ સાયબર સિક્યુરિટી ફોર્સ નાં ગુજરાત રાજ્યનાં તાલીમ ડાયરેક્ટર શ્રી વિશાલ શાહ દ્વારા સાયબર ગુનાઓના પ્રકારો, તેમને કેવી રીતે ટાળવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ઓનલાઇન છેતરપિંડી, ફિશિંગ, હેકિંગ અને સોશિયલ મીડિયા ગુનાઓ જેવા વિષયો પર પણ પ્રકાશ પાડ્યો હતો.

આ ઉપરાંત, ગુજરાત સાયબર ક્રાઇમ સેલનાં પીએસઆઈ શ્રી હિતેશ પરમાર સાહેબ દ્વારા સાયબર સુરક્ષાનાં પોતાના અનુભવો અને હાલમાં જ બનેલાં બનાવોની ઝાંખી આપીને હાલમાં ચાલી રહેલાં સાયબર ગુનાઓ વિશે ખૂબ સરળ ભાષામાં માહિતી આપી હતી. આ કાર્યક્રમ દ્વારા નાગરિકો, ખાસ કરીને યુવાનોને ઇન્ટરનેટનો સુરક્ષિત અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે, તમામ સહભાગીઓને સાયબર જાગૃતિ માટેની પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તિકાઓમાં સાયબર ગુનાઓથી બચવા માટે ટિપ્સ અને યુક્તિઓનો સમાવેશ થાય છે.

ગુજરાત સાયબર ક્રાઇમ સેલના પીએસઆઈ સાહેબશ્રી એ આ કાર્યક્રમનાં આયોજન બદલ તમામ સંસ્થાઓ, નીલકંઠ ઓશિયન ફ્લેટનાં ચેરમેન તેમજ કમિટી સભ્યો અને કાર્યક્રમમાં હાજર તમામ સહભાગીઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા જ આપણે ડિજિટલ ગુનાઓને રોકી શકીએ છીએ અને સમાજને વધુ સુરક્ષિત બનાવી શકીએ છીએ.

*આ કાર્યક્રમમાં નીચેના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા:*

* શ્રી હિતેશ પરમાર, પીએસઆઈ, ગુજરાત સાયબર ક્રાઇમ સેલ - સીઆઈડી ક્રાઇમ - ગુજરાત રાજ્ય
* ડૉ. અમિતકુમાર રાવલ, નેશનલ ચીફ કમિશ્નર, રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ
* શ્રી સલીમ મોમીન, રાષ્ટ્રીય કારોબારી સભ્ય, રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ
* શ્રી વિશાલ શાહ, સાયબર પ્રમોટર, ગુજરાત સાયબર ક્રાઇમ સેલ તેમજ તાલીમ ડાયરેક્ટર - ગુજરાત રાજ્ય, સાયબર સિક્યુરિટી ફોર્સ
* શ્રી યુવરાજસિંહ પુવાર, મુખ્ય સચિવ - ગુજરાત રાજ્ય, રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ

0
1417 views